RSS

હિટલરને હિટલર કોણે બનાવ્યો?

19 Jun

ચિત્રલેખા 

અંક તા. ૨૭ જૂન ૨૦૧૧માં પ્રકાશિત

 

 

 

 

 

 

કોલમઃ વાંચવા જેવું

 

 

 

 

મોરારજી દેસાઈ બૃહદ મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે વલ્લભવિદ્યાનગરની એન્જિનીયરિંગ કોલેજના એક ફંકશનમાં મુખ્ય મહેમાન બન્યા. પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યા પછી પ્રશ્નોત્તરી શરૂ થઈ. મોરારજી દેસાઈએ વિદ્યાર્થીઓને કહ્યું કે તમે ડર્યા વિના કોઈ પણ સવાલ મને પૂછી શકો છો. એક સ્ટુડન્ટે ઊભા થઈને છાપાંમાં છપાતાં અહેવાલોના આધારે સવાલ કર્યોઃ તમારા બાંધકામ ખાતાના પ્રધાન ભ્રષ્ટાચાર આદરી પૈસા બનાવી રહ્યા છે તેનાથી આપ માહિતીગાર છો? આ અણિયાળો સવાલ સાંભળીને મોરારજીભાઈ રાતાપીળા થઈ ગયા. ઉપસ્થિત શિક્ષકોએ વિદ્યાર્થીનો બચાવ કર્યો તો મોરારજીભાઈનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેઓ ટેવવશ ગરજ્યાઃ ‘બેજવાબદાર વિદ્યાર્થી અને આ અશિષ્ટ પ્રોફેસરોને અહીંથી બહાર કાઢો. શું વિદ્યાર્થીઓને અહીં આવા સંસ્કાર અપાય છે?’

 

કોલેજના પ્રિન્સિપાલ એસ.વી. જનરકર ઊભા થયા અને મક્કમ અવાજે બોલ્યાઃ ‘આદરણીય મુખ્યમંત્રી, વિદ્યાર્થી કે કોઈએ અશિષ્ટ વર્તન કર્યું નથી. આપની આજ્ઞા પછી જ વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો છે, આપ એથી ઉશ્કેરાયા છો. હું આ વિદ્યાલયનો માસ્તર છ .મારા વિદ્યાર્થીઓનું માન જળવાય એ મારી ફરજ છે. હું આપને વધારે બોલવા દેવાની નમ્રતાપૂર્વક મનાઈ કરું છ . સભા હવે બરખાસ્ત થાય છે.’ અને આચાર્ય અતિથિને બહાર દોરી ગયા.

 

 

Vinod Bhatt

આ અફલાતૂન કિસ્સો પ્રતિષ્ઠિત હાસ્યકાર વિનોદ ભટ્ટનાં પુસ્તક ‘સોટી વાગે ચમચમ’માં નોંધાયો છે. અગાઉના જમાનાથી  લઈને આજની સ્કૂલો તેમજ વિદ્યાર્થીજીવનનું લેખકે આબાદ વિહંગાવલોકન કર્યું છે અને પછી તેને પોતાની નર્મમર્મથી ભરપૂર રસાળ શૈલીમાં રજૂ કર્યું છે.  (લટકામાં ઉમેરી દઈએ કે લેખકનું ‘વિનોદકથા’ નામનું પુસ્તક પણ આ સાથે જ પ્રગટ થયું છે, જે હાસ્યવ્યંગથી ભરપૂર ટચૂકડી કથાઓનું સુંદર સંકલન છે.)

 

લેખની શરૂઆતનો કિસ્સો વાંચીને એવું સહેજે ધારી ન લેવું કે અગાઉની સ્કૂલકોલેજોમાં બધું સુષ્ઠુ સુષ્ઠુ જ હતું તેમ લેખક કહેવા માગે છે. તેઓ તો લખે છે કે, ‘આમ તો અંગ્રેજી શબ્દ ‘ટુ ટીચ’નો અર્થ ભણાવવું એવો થાય છે, પણ આ ‘ટીચ’ શબ્દનો અર્થ ટીચી નાખવું પણ થતો હોવો જોઈએ, કેમ કે અગાઉના વખતમાં સ્કૂલો પોલીસસ્ટેશન જેવી હતી, અડફેટે ચડતા છોકરાને ટીચી નખાતો.’

 

હિટલરને એક ખલનાયક બનાવનાર તેનો શિક્ષક હતો એવું ખુદ હિટલરે પોતાની આત્મકથામાં નોંધ્યું છે. આપણે ત્યાં જૂના જમાનામાં શિક્ષકો વિદ્યાર્થીઓને માત્ર ફટકારતા નહોતા, સાથે અવનવી અને મૌલિક ગાળો પણ બોલતા. લેખકનો તર્ક છે કે કદાચ આ પ્રકારની અમૃતવાણી સાંભળીને જ ગાંધીજીથી માંડીને એમના ખુદના કાન મોટા થઈ ગયેલા! એમાંય જો છોકરું સુરતની શાળામાં ભણતું હોય અને માસ્તર તેને પચીસત્રીસ સારી ગાળ પણ ન શીખવી શકે તો એ કેળવણી અધૂરી ગણાય.

 

 

 

મહેતો મારે પણ નહીં અને ભણાવે પણ નહીં એવી એક કહેવત છે. લેખક લખે છે, ‘આજે મહેતો મારે છે ખરો, પણ ભણાવતો નથી.  ભણવાની જો ગરજ હોય તો અમારું ટ્યુશન રાખવું પડશે. બાકી સ્કૂલમાં તો એકડો ઘૂંટતા શીખવું હશે તો એની ફી અલગ થશે. સ્કૂલની ફી તો છોકરાને સાચવવા માટેની છે, ભણાવવાની નહીં… ઘણા શિક્ષકો શાળાની નોકરી પર પત્ની જેવો અૌપચારિક અને ટયૂશન પર પ્રિયતમા જેવો દિલી પ્રેમ રાખતા હોય છે. વિજ્ઞાન પ્રવાહનો શિક્ષક ટયૂશનમાંથી લાખો રૂપિયા ઘરભેગા કરી લે છે. હવે માસ્તર બિચારો બાપડો નથી.’

 

 

સમયની સાથે માસ્તરોનું સ્તર ભયજનક નીચે નીચે આવી ગયું છે અને આવી રહ્યું છે તે હકીકત છે. ‘એક પ્રતિષ્ઠિત ગણાતી શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓને ભણાવ્યું હતું કે માઈકલ જેક્સન વૈજ્ઞાનિક હતો. કોલમ્બસ એક નહીં, બબ્બે થઈ ગયા. શાળાના સંચાલકો આ બધું જાણવા છતાં આ શિક્ષકનું કશું બગાડી શકતા નથી. અને શિક્ષણખાતું!’ આટલું લખીને લેખક અહીં ધારદાર વાત કરી નાખે છેઃ ‘એ તો છોકરાનાં ભણતર સિવાય કોઈનું કશું બગાડી શકે એમ જ નથી.’

 

વિનોદ ભટ્ટ ‘ચિત્રલેખા’ને હસતા હસતા કહે છે, ‘પાછળ ફરીને મારા વિદ્યાર્થીકાળ તરફ જોઉં છ  ત્યારે સમજાય છે કે સ્કૂલ સુધરી ગઈ છે, પણ મારામાં કશો ફેરફાર નથી થયો. આજે પણ હું વિદ્યાર્થી તરીકે ‘ઢ’ જ છ !’ ખુદને અને આસપાસની પરિસ્થિતિઓને ગંભીરતાથી ન લઈને તેના પર રમૂજનો ઢોળ ચડાવતા રહેવો તે વિનોદ ભટ્ટની લાક્ષાણિકતા છે. હકીકત એ છે કે આ પુસ્તકમાં માત્ર હાસ્ય કે ઠઠ્ઠા નથી, બલકે શિક્ષણતંત્રના એકધારા થતા જતાં અવમૂલ્યન બાબતે આક્રોશમિશ્રિત પીડાનો ઝીણો અન્ડરકરંટ પણ છે. આ પ્રકારનું સંયોજન એક સિદ્ધહસ્ત લેખકથી જ શક્ય બને.   

 

વેકેશન પૂરું થઈ ગયું છે અને સ્કૂલકોલેજોનાં નવાં સત્ર શરૂ થઈ રહ્યાં છે એવી મોસમમાં ‘સોટી વાગે ચમચમ’ પુસ્તક વાંચવાની ચોક્કસ મોજ પડશે.

 

 સોટી વાગે ચમચમ

 

લેખકઃ વિનોદ ભટ્ટ

 

પ્રકાશકઃ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

અમદાવાદ-૧

 

ફોનઃ (૦૭૯) ૨૨૧૪ ૪૬૬૩

કિંમતઃ  રૂ. ૧૦૦ /

પૃષ્ઠઃ ૧૭૪

 

 

 

———————————–બોક્સ આઈટમ—————————————-

 

નામ તેવાં ગુણ

 

હાલ તમે જે વાંચી રહ્યા છો તે ‘વાંચવા જેવું’ કોલમ વિનોદ ભટ્ટે છ વર્ષ પહેલાં શરૂ કરી હતી અને જબરદસ્ત જમાવી હતી. આ કોલમમાં પ્રકાશિત થયેલા ૭૨ લેખો હવે પુસ્તક સ્વરૂપે સંગ્રહ પામ્યા છે. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે પ્રકાશિત કરેલાં આ પુસ્તકનું નામ છે, ‘આંગળી ચીંધ્યાનું પુણ્ય’. ૨૨૨ પાનાંનું અને દોઢસો રૂપિયાનું મૂલ્ય ધરાવતાં આ પુસ્તકમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલાં ઉત્તમ પ્રકાશનોની રસાળ સમીક્ષાઓ ગાગરમાં સાગરની જેમ સમાઈ ગઈ છે. વસાવવા લાયક પુસ્તકોની વાત કરતું આ પુસ્તક પોતાનાં શીર્ષકને સાર્થક કરે છે.   

 

 

000000000000000000000

Advertisements
 
Leave a comment

Posted by on June 19, 2011 in Book Reviews

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: